
અમદાવાદઃ ગુજરાતના હવામાનની 7 દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ રહેવાની શક્યતાઓ પણ કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગ)માં 5 દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં 27 અને 28મી જુલાઈએ અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આજના દિવસે એટલે કે 25મી જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. ભારે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
